‘૦૯માં જયારે અમારું ઘર તૈયાર થઇ રહ્યું હતું ત્યારે રસોડામાં સ્ટોર હોવો જોઈએ કે નહિ તે વિશે ચર્ચા વિચારણા થઇ હતી. પછી નિર્ણય લેવાયો કે સ્ટોરની જરૂર નથી. જે જોઈએ, જયારે જોઈએ, ત્યારે મળી રહે છે ને! તો સ્ટોરની જગ્યાએ પ્રભુને સ્થાપિત કર્યા.
પછી ૨૦૧૭માં જયારે મેં કાયમી લેખક થવાનો નિર્ણય લીધો તો ઘરની આવક સ્વાભાવિકપણે ઓછી થઇ ગઈ, જેથી વધારે બચત કરવાં અમે લોકો અનાજ સંગ્રહ માટે ૭-૭ કિલોના ડબ્બા લઇ આવ્યાં ઘઉં, ચોખા ને દાળ માટે, હોલસેલમાં થોડી બચત થાય ને! સંગ્રહ વધવાથી પછી ધનેરાં પણ જોવાં મળ્યાં, એટલે પછી લીમડાનાં પાનથી તેમણે કાઢવા સફળ પ્રયાસ થવા લાગ્યા.
પછી બળ્યું આ કોરોના આવી ધમક્યું ને લોકડાઉન. લોકડાઉન કેટલું ચાલશે એ વિચારમાં ઘરમાં ૨૫ કિલો ચોખા અને ૧૦-૧૫ કિલો લોટ આવવા લાગ્યો. તો સ્ટોરની યાદ આવી. હવે પ્રભુને તો વિસ્થાપિત કરાય નહિ તો તેમની સામે એક દીવો વધારે કર્યો અને ૩૫કિલોનું પીપ ઉઠાવી લાવ્યાં. મોટી જગ્યામાં ધાનેરાઓને પણ મજા પડી એટલે લીમડાનાં પાન ચોખાના બચાવમાં અસફળ થયાં. આ જોઈ પત્ની બોરિક લઇ આવી. એમ તો દિવેલ પણ ચાલત, પણ એની ગંધ ન ચાલે. મને પેલી કહેવત ‘શું દિવેલ પીધા જેવું મોં છે’ યાદ આવી ને!
તો એક દાયકામાં અમારો સ્ટોર ન રાખવાનો નિર્ણય અમારા પર જ ફરી વળ્યો. અને સ્ટોરની જગ્યાએ બેઠા પ્રભુ મલકાઈ મલકાઈ અમને જોતાં રહ્યા.
સમયની જેમ જ બીજી બધી વસ્તુઓ અને ટ્રેન્ડ ચક્રીય હોય છે. જે કાલે હતું, તે આજે નથી, પણ આવતી કાલે ફરી આવશે. દેશ સ્વતંત્રતા બાદ પહેલા સમાજવાદી, ને પછી મૂડીવાદ ને અત્યારે ફરી સમાજવાદી થયું છે. ગ્લોબલાઇઝેશનથી ફરી આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે. સમય ચક્ર ફરી ફરી ત્યાં જ આવી ઉભું રહે છે.
જીવન પણ તો એમ જ છે ને! ચક્ર! પહેલા અસહાય બાળક, પછી આત્મનિર્ભર જુવાન, અને પછી અસહાય વૃદ્ધ. જે વ્યક્તિ આ ચક્રને સમજી શકે, તે એને તોડી પણ શકે અને સાચે તો તોડવા પ્રયત્ન પણ કરે. એટલે જ તો સંતો, મુનિઓ અને જ્ઞાનીઓ મોક્ષ પામવા ઝઝૂમે છે! આ તો બસ મારા જેવા છે જે ફરી ફરી સ્ટોર કે નો-સ્ટોરના પ્રશ્ન પર આવી ઊભા રહે છે. સ્થિતિ ફરી ‘૦૯ની જેમ થશે ત્યારે અમે પીપ જોઈ માથું ખંજવાળશું. અને તેમની જગ્યાએ બેઠા પ્રભુ મલકાઈ મલકાઈ અમને જોતાં રહેશે.
જય શ્રી કૃષ્ણ,